Saturday, February 27, 2021
Saturday, February 27, 2021
Home રાષ્ટ્રીય સરકાર અને ખેડૂતો : બંને પક્ષો હવે ખરાખરીના મૂડમાં !

સરકાર અને ખેડૂતો : બંને પક્ષો હવે ખરાખરીના મૂડમાં !

ખેડૂત સંગઠનો દિલ્હીના આઉટર રિંગ રોડ પર 26 જાન્યુઆરીએ ટ્રેકટર પરેડ કાઢવાની તૈયારીમાં જોરશોરથી લાગ્યાં છે. પંજાબના જલંધર અને પટિયાલાના અનેક સમર્થક ટ્રેકટર લઈને દિલ્હી પહોંચી રહ્યા છે. ખેડૂતનેતાઓનો દાવો છે કે પરેડમાં એક લાખથી વધુ ટ્રેકટર સામેલ થશે. 23 જાન્યુઆરીએ ખેડૂતો ટ્રેક્ટર પરેડનું રિહર્સલ પણ કરશે.

દિલ્હી પોલીસે અત્યારસુધી ટ્રેક્ટર પરેડની અનુમતિ આપી નથી. ટક્કરની સંભાવનાને જોતાં ખેડૂતોએ ટ્રેક્ટરોને ફાઈબર શીટથી કવર કર્યાં છે, જેથી ટીઅર ગેસ અને વોટર કેનનથી બચી શકાય.

બેરિકેડ્સ તોડવા માટે ટ્રેકટરોના આગામી હિસ્સાઓને વજનદાર લોખંડના સળિયાથી કવર કરાયા છે, જેથી ટ્રેક્ટરોને નુકસાન ન થાય. ગુરદાસપુરથી આવેલા એક ખેડૂતે કહ્યું, ‘હું ભારતીય કિસાન યુનિયન રાજેવાલના સંગઠન સાથે જોડાયેલો છું. મારી સાથે 500 ટ્રેક્ટર રવાના થયાં છે, જે 26 જાન્યુઆરી અગાઉ દિલ્હી પહોંચી જશે.’ સૂત્રોના અનુસાર, જલંધર, ભટિંડા, અમૃતસર અને ફિરોઝપુર જેવા જિલ્લામાંથી છેલ્લા કેટલાક દિવસોમાં પાંચ હજારથી વધુ ટ્રેક્ટર દિલ્હી બોર્ડર પહોંચી ચૂક્યાં છે.

જલંધરના તલવંડથી આવેલા યુવા કિસાન જસપાલ સિંહ કહે છે, તેમના સાથી લગભગ 50-55 ટ્રેક્ટર લઈને આવ્યાં છે. એના માટે આ લોકોએ 30 ફૂટ લાંબી વિશેષ ટ્રોલીઓ તૈયાર કરાવી. એવી ટ્રોલીઓમાં બે ટ્રેકટર લોડ કરીને લાવવામાં આવ્યાં છે. એક ટ્રેક્ટરની સાથે ટો કરીને પણ અનેક ટ્રેક્ટર લાવવામાં આવ્યાં છે. એનો હેતુ ડીઝલનો ખર્ચ બચાવવાનો છે. એક ટ્રેક્ટરને પંજાબથી દિલ્હી આવવામાં લગભગ 15થી 20 હજાર રૂપિયાનું ડીઝલ લાગે છે. એવું કરવાથી એક ટ્રેકટરના ડીઝલના ખર્ચમાં ચાર-પાંચ ટ્રેક્ટર આવી જાય છે.

સિંધુ બોર્ડર પર લોકો પંજાબથી ટ્રેક્ટરોની સાથે જેસીબી અને પાક લણતાં કમ્બાઈન મશીન પણ લઈને પહોંચી રહ્યા છે. જેથી ખેડૂતોનાં ટોળાં આસપાસ ચોતરફ સુરક્ષિત ઘેરો બનાવી શકાય. ટ્રકોથી પણ મોટી સંખ્યામાં ખેડૂતો દિલ્હી બોર્ડર પર પહોંચી રહ્યા છે. ટ્રકોની બોડીને બે ભાગોમાં વહેંચીને તેને જ પોતાનું રહેવાનું સ્થળ બનાવી લેવાયું છે, જેથી વરસાદ અને ઠંડીથી બચી શકાય.

ખેડૂતનેતા સતનામ સિંહ પન્નુએ કહ્યું, ‘અમને પરેડની મંજૂરી મળે કે ન મળે, અમે ટ્રેક્ટર પરેડ કરીશું. અમારા સાથી પંજાબથી હજારોની સંખ્યામાં ટ્રેક્ટર લઈને દિલ્હી રવાના થઈ ચૂક્યા છે. સરકાર જ્યાં સુધી ત્રણેય કૃષિ કાયદા રદ ન કરાવે, ત્યાં સુધી પરત પંજાબ નહીં જાય.’

ભારતીય કિસાન યુનિયન (લાખોવાલ)ના વોલન્ટિયર હરપ્રીત સિંહ ટ્રેક્ટર રેલીની તૈયારીઓમાં વ્યસ્ત છે. 30 વર્ષના હરપ્રીત કહે છે, ‘અમારા ટ્રેકટરોની આગળ ભારતનો તિરંગો લહેરાતો હશે. આ એ લોકો માટે જવાબ હશે, જેઓ અમને ખાલિસ્તાની અને દેશવિરોધી કહી રહ્યા છે.’

ભારતીય કિસાન યુનિયન એકતાના અધ્યક્ષ બૂટા સિંહ બુર્જગિલ કહે છે, ‘અમને આશા છે કે સરકાર બેરિકેડ્સ ખોલી દેશે અને અથડામણની સંભાવના નહીં રહે. હિંસા આ આંદોલનને સમાપ્ત કરી દેશે, આ તમામ ખેડૂતનેતાઓ સમજી રહ્યા છે. અમારી સૌથી મોટી ચિંતા એ છે કે આંદોલન શાંતિપૂર્ણ બની રહે.’

ખેડૂતો જે આઉટર રિંગ રોડ પર ટ્રેકટર પરેડ કરવાની જીદ કરી રહ્યા છે તેઓ લગભગ 47 કિમી લાંબી છે. આ નવી દિલ્હી, નોર્થ દિલ્હી, નોર્થ વેસ્ટ દિલ્હી, વેસ્ટ દિલ્હી, સાઉથ વેસ્ટ દિલ્હી, સાઉથ દિલ્હી, સાઉથ ઈસ્ટ દિલ્હી અને સેન્ટ્રલ દિલ્હીથી થઈને પસાર થાય છે.

દિલ્હી પોલીસ રિંગ રોડ પર ખેડૂતોને પરેડની મંજૂરી એટલા માટે આપવા માગતી નથી, કેમ કે તેના 14 જંક્શન દિલ્હીમાં આવે છે. તેમાં એનએચ-8 સુબુર્તો પાર્ક, વસંત કુંજ, મુનિરકા, આરકે પુરમ, ઈંઈંઝ ગેટ (ફ્લાઈઓવર), માલવિયનગર અને પંચશીલ કોલોનીમાં પણ આવે છે. નેહરુ પ્લેસ, ઓખલા, આઈએસબીટી (ફ્લાઈઓવર), મજનું કા ટીલા, માજરા બુરાડી, આજાપુર જહાંગીરપુર, રોહિણી, પીરાગઢી (ટિકરી બોર્ડર સાઈડ), સુંદરવિહાર, વિકાસપુરી, જનકપુરી અને કેન્ટ (કરિયપ્પા માર્ગ: દિલ્હીના વ્યસ્ત માર્ગો છે. એવામાં ટ્રેક્ટર પરેડના કારણે સમગ્ર દિલ્હી જામ થઈ શકે છે. દિલ્હી પોલીસ ઈચ્છે છે કે ખેડૂત દિલ્હીની બહાર પેરિફેરલ એક્સપ્રેસ વે પર પરેડ યોજે.

દિલ્હી પોલીસના નોધર્ન રેન્જના જોઈન્ટ સીપી એસ. એન. યાદવે કહ્યું હતું કે અમે દરેક પાસા પર નજર રાખી રહ્યા છે. તમામે કાયદાનું પાલન કરવું જોઈએ. એનાથી વધુ હું આ વિશે કંઈ કહી શકું નહીં.

Most Popular