Connect with us

રાજ્ય

જાલિયાદેવાણી અને ધુનડામાં ધોધમાર સાડા ચાર ઈંચ વરસાદ

લાલપુરમાં વીજળીના કડાકા ભડાકા સાથે બે ઈંચ ખાબકયો : જોડિયા અને જામજોધપુરમાં એક-એક ઈંચ : જામનગર-કાલાવડમાં ધીમી ધારે અડધો ઈંચ પાણી વરસ્યું 

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેર-જિલ્લામાં છેલ્લાં 24 કલાક દરમિયાન સામાન્ય ઝાપટાંથી સાડા ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ હતી. જેમાં લાલપુરમાં બે, જોડિયામાં તથા જામજોધપુરમાં એક-એક ઈંચ પાણી પડયું હતું. જ્યારે જામનગર-કાલાવડમાં વધુ અડધો-અડધો ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ધ્રોલ તાલુકાના જાલિયાદેવાણી અને જામજોધપુર તાલુકાના ધૂનડામાં સાડા ચાર ઈંચ વરસાદ ખાબકયો હતો.

હવામાન વિભાગની આગાહી મુજબ, જામનગર જિલ્લામાં મેઘમહેર થઈ હતી. જેમાં જિલ્લાના મુખ્ય તાલુકા મથકો પૈકીના લાલપુરમાં વધુ બે ઈંચ પાણી  પડયું હતું. જ્યારે જોડિયાની જામજોધપુરમાં એક-એક ઈંચ તથા જામનગર અને કાલાવડમાં અડધો-અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. ઉપરાંત ધ્રોલમાં સામાન્ય ઝાપટું પડયું હતું. જામનગર જિલ્લામાં પડેલા વરસાદમાં ધ્રોલ તાલુકાના જાલિયાદેવાણીમાં અને જામજોધપુરના ધૂનડા ગામમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર સાડા ચાર ઈંચ વરસાદ ખાબકયો હતો અને જામનગરના ધુતારપર, લાલપુરના મોટા ખડબા અને કાલાવડ તાલુકાના ભલસાણ બેરાજામાં સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે જામજોધપુર તાલુકાના જામવાડી, પરડવા, ધ્રાફા, શેઠવડાળામાં સવા બે – સવા બે ઇંચ વરસાદ વરસ્યો છે તેમજ લાલપુરના ડબાસંગ, ભણગોર, કાલાવડના ખરેડી, જામનગરના અલિયાબાડામાં પોણા બે ઈંચ વરસાદ પડયો છે અને લાલપુર તાલુકાના પીપરટોડા, પડાણા અને મોડપર, જામજોધપુરના સમાણા, કાલાવડના નવાગામ, જામનગરના ફલ્લા, જામવણથલી, વસઈ, લાખાબાવળમાં એકથી સવા ઈંચ વરસાદ પડયાના અહેવાલ છે. ઉપરાંત જામનગરના મોટી બાણુંગર, કાલાવડના મોટા વડાળા અને પાંચદેવડા, નિકાવા, જામજોધપુરના વાંસજાળિયામાં એક-એક ઈંચ પાણી વરસ્યું છે તથા જામનગર તાલુકાના દરેડ, જોડિયાના હડિયાણા, બાલંભા, પીઠડ, ધ્રોલના લૈયારામાં અડધો-અડધો ઈંચ ઝાપટારૂપે વરસાદ પડયો છે.

રાજ્ય

ખાનગી કોલેજો પર ફી મામલે ભીંસની તૈયારી

ઝડપથી નિર્ણય લેવા ગુજરાત સરકારને વડી અદાલતનો આદેશ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રાજ્યમાં કોલેજોની ફીમાં ઘટાડાની માગણી કરતી જાહેર હિતની રિટની સુનાવણી આજે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ હાથ ધરવામાં આવી હતી. ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની ખંડપીઠે રાજ્ય સરકારને ટકોર કરી હતી કે કોલેજની ફી મુદ્દે સત્વરે નક્કર નિર્ણય કરવમાં આવે. કોર્ટ સમક્ષ રાજ્ય સરકારે રજૂઆત કરી હતી કે કોલેજોની ફી મુદ્દે હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ અક્ષય મહેતાની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતી બેથી ત્રણ અઠવાડિયમાં અહેવાલ રજૂ કરશે, સરકારની આ રજૂઆત સંદર્ભે કોર્ટે નક્કર નિર્ણય કરવાની ટકોર કરી હતી. કેસની વધુ સુનાવણી 13મી ઓક્ટોબરના રોજ હાથ ધરવામાં આવશે. રાજ્ય સરકારે રજૂઆત કરી હતી કે કોલેજ ફી મુદ્દે ગઠિત કરવામાં આવેલી સમિતિ હાલ વિવિધ મુદ્દાઓનો અભ્યાસ કરી રહી છે. સમિતિનો અહેવાલ તૈયાર થયા બાદ તેને કોર્ટ સમક્ષ રાખવામાં આવશે અને આ અહેવાલ આવ્યા બાદ સરકાર પણ વિચારણા કરશે. રિટમાં અરજદારની રજૂઆત છે કે ગુજરાતની કોલેજો લોકડાઉન અને ઓનલાઇન શિક્ષણ છતાં સંપૂર્ણ ફી વસૂલી રહી છે.

આ ઉપરાંત આ ફીમાં જીમની ફી, એક્ટિવિટી ફી, લાઇબ્રેરી સહિતની ઇત્તર પ્રવૃત્તિઓની ફી સમાવિષ્ટ છે. અરજદારે મદ્રાસ હાઇકોર્ટનું ઉદાહરણ આપતા કહ્યું છે કે મદ્રાસ હાઇકોર્ટના તાજેતરના એક આદેશમાં કોલેજની ફીમાં 30 ટકાની રાહત આપવામાં આવી છે. જેમાં પણ 70 ટકા ફીમાંથી અત્યારે 40 ટકા અને 30 ટકા રાકમ બાદમાં ચૂકવવાની જોગવાઇ કરવામાં આવી છે. ગુજરાતની કોલેજોના વિદ્યાર્થીઓને પણ આવી રાહત મળવી જોઇએ. રાજ્યની કોલેજો જે સુવિધાઓ આપી રહી નથી તેનો ચાર્જ પણ વસૂલી રહી છે. ફીમાં રાહત આપ્યા બાદ પણ જે રકમ વધે છે તેમાં કોલેજના અધ્યાપકોના પગાર સહિતનો તમામ ખર્ચ નીકળી ખે છે. જેથી હાઇકોરેટ આદેશ કરે કે ફી રેગ્યુલેટરી કમિટી, રાજ્ય સરકાર અને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન ફીમાં ઘટાડા અંગે ઠરાવ કે પરિપત્ર જાહેર કરે. આ અંગે વધુ સુનાવણી 13મી ઓક્ટોબરના રોજ નિયત કરવામાં આવી છે.

વધુ વાંચો

રાજ્ય

જામજોધપુરમાંથી ગાંજા સાથે શખ્સને ઝડપી લેતું એસઓજી

એક કિલો અને સો ગ્રામ ગાંજો તથા મોબાઇલ સહિત રૂા. 12 હજારનો મુદામાલ કબજે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામજોધપુરમાં પાટણ રોડ પર ઘાસના ગોડાઉન પાસે રહેતા શખ્સ પાસેથી એસઓજીની ટીમે એક કિલો સો ગ્રામ ગાંજો અને મોબાઇલ મળી રૂા. 12000નો મુદ્ામાલ કર્યો હતો. પૂછપરછ દરમિયાન સુરતના શખ્સની સંડોવણી ખુલી હતી.

આ અંગેની વિગત મુજબ જામજોધપુર ગામમાં પાટણ રોડ પર આવેલા ઘાસના ગોડાઉન પાસે રહેતો રમેશ નામનો શખ્સ કેફી પદાર્થ ગાંજાનું વેચાણ કરતો હોવાની હેકો ઘનશ્યામ ડેરવાડીયા, અરજણ કોડીયાતર, દોલતસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ વડા શ્વેતા શ્રીમાળીની સૂચનાથી પીઆઈ કે.એલ. ગાધે, પીએસઆઈ વી.કે. ગઢવી, એએસઆઈ મહેશભાઈ સવાણી, જ્ઞાનદેવસિંહ જાડેજા, હે.કો. બશીરભાઈ મલેક, અનિરૂધ્ધસિંહ ઝાલા, હિતેશભાઇ ચાવડા, ઘનશ્યામ દેરવાડિયા, મયુદીન સૈયદ, રમેશ ચાવડા, અરજણભાઈ કોડિયાતર, દિનેશભાઈ સાગઠિયા, રાયદેભાઈ ગાગિયા, પો.કો. દોલતસિંહ જાડેજા, સોયબ મકવા, સંજય પરમાર, રવિ બુજડ, લાલુભા જાડેજા, મહિલા પોલીસ કોન્સ્ટેબલ પ્રિયંકાબેન ગઢિયા, દયારામ ત્રિવેદી સહિતના સ્ટાફે રેઇડ દરમિયાન રમેશ મગન ઝિંઝુવાડીયા નામના શખ્સની તલાસી લેતાં તેની પાસેથી એક કિલો સો ગ્રામ ગાંજોનો જથ્થો અને મોબાઇલ મળી આવતાં એસઓજીએ રૂા. 12000નો મુદ્ામાલ કબજે કર્યો હતો.

એસઓજીએ રમેશની પૂછપરછ કરતાં આ ગાંજાનો જથ્થો સુરતમાં રહેતા જયદીપ મુકેશ કુંભાર નામના શખ્સ પાસેથી ખરીદ્યાનું જણાવતાં પોલીસે જયદીપની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

વધુ વાંચો

રાજ્ય

ખંભાળિયામાં મુખ્‍યમંત્રી મહિલા ઉત્‍કર્ષ ઇ-લોન્‍ચીંગ કાર્યક્રમ સંપન્‍ન

વડાપ્રધાન મોદીના જન્‍મદિવસ નિમિતે મહિલાઓને ભેટ અપાઈ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દેવભૂમિ દ્વારકા જિલ્‍લાના મુખ્ય મથક ખંભાળિયામાં ગઈકાલે ગુરૂવારે નગરપાલિકા યોગ કેન્‍દ્ર ખાતે મુખ્‍યમંત્રી મહિલા ઉત્‍કર્ષ ઇ-લોન્‍ચીંગ કાર્યક્રમ યોજાયો હતો. મહિલાઓને સ્‍વરોજગારી આપવા સાથે આત્‍મનિર્ભર બનાવવા મુખ્‍યમંત્રી મહિલા ઉત્‍કર્ષ યોજના શરૂ કરવામાં આવી છે. મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીને જન્‍મદિવસની શુભેચ્‍છાઓ પાઠવી જણાવ્‍યું હતુ કે, રાષ્‍ટ્રીય મહિલા આજીવિકા મીશન હેઠળ રાજયમાં છેલ્‍લા ચાર વર્ષમાં મહિલાઓના સશકતીકરણ માટે નોંધપાત્ર કામ થયું છે. રાષ્‍ટ્રીય મહિલા આજીવિકા મીશન હેઠળ રાજયમાં 2,51,000 સ્‍વસહાય જુથો નોંધાયેલ છે અને તેમા અંદાજે રાજયની 25,82,000 મહિલાઓ જોડાયેલા છે. તે પૈકી દોઢ લાખ જેટલા સ્‍વસહાય જુથો સક્રિય રીતે કામ કરી રહયા છે. આ સ્‍વસહાય જુથોને સ્‍ટાર્ટઅપ ફંડ તરીકે રૂ. 29 કરોડ જેટલી રકમ ફાળવવામાં આવી છે. આશરે 5,52,000 જેટલા બહેનો પશુપાલન સાથે સંકળાયેલ છે. આ ઉપરાંત આશરે સવા લાખ બહેનો હેંડીક્રાફર, હેન્‍ડલુમ અને અન્‍ય ગૃહ ઉધોગ સાથે સંકળાયેલ છે. આ કાર્ય દ્વારા બહેનો આર્થિક રીતે પગભર થઇ રહ્યા છે.
આ ઉપરાંત બેંકોના સહકારથી બહેનોને કેશ સગવડ આપવામાં આવી છે. કેશ સગવડ મેળવી બહેનોએ આન્‍મનિર્ભર થવા પ્રયત્‍નો કર્યા છે. સાથે તેમના કૌશલ્‍ય વર્ધનનો પ્રયાસ પણ કર્યો છે. જેથી તેઓ તેમના પોતાના જ વતનમાં કામધંધા કરી આત્‍મનિર્ભર બની શકે. પ્રવર્તમાન કોવિડ-19 નાં લોકડાઉનના સમયમાં પણ સમયની માંગને ધ્‍યાનમાં રાખીને ગુજરાતની ખમીરવંતી મહિલાઓએ કાપડના વિવિધ માસ્‍ક તથા સેનેટાઇઝર બનાવવાનો આરંભ કરી દિધેલ છે. અત્‍યાર સુધી આ સંગઠીત બહેનો દ્વારા 70 લાખ માસ્‍ક તથા સેનેટાઇઝરનું ઉત્‍પાદન કરી, જાહેર જનતાને પુરા પાડી તેમની આજીવિકામાં વધારો કરેલ છે. અને આશરે રૂ. 5.60 કરોડનું ટર્નઓવર કરેલ છે. તેવી જ રીતે આ કપરા કાળમાં કોવિડ સેન્‍ટરો તથા પ્રવાસી શ્રમિકો માટે 10 જેટલા રસોડા ચલાવી તેમાં આશરે 5000 જેટલા શ્રમિકોને રોજ ભોજન પુરૂ પાડી અભૂતપૂર્વ યોગદાન આપેલ છે.
આ ઉપરાંત રાષ્‍ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન સાથે સંકાળાયેલ SHGSની મહિલાઓ ઉપરાંત બીજી મહિલાઓને પણ સશકતીકરણનો લાભ મળે તે માટે રાજય સરકાર દ્વારા એક અનોખી પહેલ તરીકે મુખ્‍યમંત્રી મહિલા ઉત્‍કર્ષ યોજનાની શરૂઆત થઇ રહી છે. આ યોજનામાં જોડાતાની સાથે જ રૂ. એક લાખનું ધિરાણ, લોન ઇચ્‍છુક દસ બહેનોના જુથને મળશે આ ધિરાણ ઉપર નિયમિત હપ્‍તા ભરનાર જુથને વ્‍યાજમાંથી મુકિત મળશે. અને રાજય સરકાર ધિરાણકર્તા સંસ્‍થાઓને વ્‍યાજ સહાય ચુકવશે આમ આ યોજના પોતાના પગ ઉપર ઉભી થવા માંગતી બહેનોના જીવનમાં નવો ઉદય લાવશે. કાર્યક્રમની રૂપરેખા જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક અને નાયબ જિલ્‍લા વિકાસ અધિકારી વાય.ડી.વાસ્‍તવે આપી હતી. શિક્ષણ વિભાગ તરફથી ઇશા શુકલ નામની બાલિકાએ પ્રધાનમંત્રીશ્રીના મહિલા સશકિતકરણનાં પ્રયાસો વિશે વકતવ્‍ય રજુ કર્યું હતું.
જિલ્‍લા પંચાયત પ્રમુખ પી.એસ.જાડેજા, નગરપાલીકાના પ્રમુખ શ્વેતાબેન શુકલ, પૂર્વ જિલ્‍લા પંચાયત પ્રમુખ પાલાભાઇ કરમુર, પૂર્વ મેયર અમીબેન પરીખ, મેધજીભાઇ કણઝારીયા, વિગેરેએ પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા. લોન મંજુરીપત્રોનું વિતરણ ઉપસ્‍થિત મહાનુભાવોના વરદ હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. આભાર વિધિ નગરપાલિકાના ચીફ ઓફિસર એ.કે.ગઢવીએ કરી હતી. કાર્યક્રમમાં જિલ્‍લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા, તથા કચેરીના અધિકારીઓ માસ્‍ક પહેરી અને સોશ્યલ ડીસ્‍ટન્‍સ સાથે મોટી સંખ્‍યામાં જુદા જુદા જુથોના બહેનો વિગેરે ઉપસ્‍થિત રહયા હતા.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ