જામનગર શહેરના નાગેશ્વર કોલોની વિસ્તારમાં રહેતા અને મજૂરીકામ કરતા શખ્સના ઘરેથી પોલીસે રેઈડ દરમિયાન રૂા.14 હજારની કિંમતની ઈંગ્લીશ દારૂની 35 બોટલ અને રૂા.15 હજારની કિંમતના બે મોબાઇલ મળી કુલ રૂા.29 હજારના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોને ઝડપી લઇ વધુ પૂછપરછ હાથ ધરતા બે શખ્સોની સંડોવણી ખુલ્લી હતી. જેના આધારે પોલીસે આ બન્ને શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતાં. જામજોધપુર તાલુકાના માંડાસણ ગામમાંથી પોલીસે એક શખ્સને રૂા.10 હજારની કિંમતની ઈંગ્લીશ દારૂની 20 બોટલ સાથે ઝડપી લીધો હતો તેમજ જામનગર તાલુકાના નાઘેડી સીમ વિસ્તારમાંથી રેઈડ દરમિયાન પોલીસે એક શખ્સને રૂા.5,200 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 13 બોટલો અને મોબાઇલ મળી કુલ રૂા.10,200 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગર જિલ્લામાં જુદા જુદા ત્રણ દરોડા પૈકીના પ્રથમ દરોડો, જામનગર શહેરના નાગેશ્વર કોલોની વિસ્તારમાં રહેતા અને મજૂરીકામ કરતા સુનિલ તુલશી રાઠોડ નામના શખ્સના મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી પીએસઆઈ એ.એસ. ગરચર તથા સ્ટાફે રેઈડ દરમિયાન સુનિલના ઘરમાં તલાસી લેતા રૂા.14,000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 35 બોટલો મળી આવી હતી. તેમજ રૂા.15,000 ની કિંમતના બે મોબાઇલ મળી આવતા કુલ રૂા.29,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને સુનિલ રાઠોડ તથા સુરેશ ગોપાલ રાઠોડ, કિશોર ભગવાનજી રાઠોડ નામના ત્રણ શખ્સોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરતા આ દારૂના જથ્થામાં તુષાર ઉર્ફે ટકો ભરત બારૈયા અને સચિન રામજી બારૈયા નામના વધુ બે શખ્સોની સંડોવણી ખુલ્લી હતી. જેના આધારે પોલીસે આ બન્ને શખ્સોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
બીજો દરોડો, જામજોધપુર તાલુકાના માંડાસણ ગામમાં પાણીના ટાંકા પાસેથી પીએસઆઈ કે.વી. ઝાલા તથા સ્ટાફે મેહુલસિંહ ઉર્ફે મુન્નાભાઈ સુરૂભા જાડેજા નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.10 હજારની કિંમતની ઈંગ્લીશ દારૂની 20 બોટલ મળી આવતા તેની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા આ જથ્થો સાતવડી ગામના અર્જુનસિંહ સુજાનસિંહ વાળાએ સપ્લાય કર્યો હોવાનું ખૂલ્યું હતું. જેના આધારે પોલીસે અર્જુનસિંહની શોધખોળ આરંભી હતી.
ત્રીજો દરોડો, જામનગર તાલુકાના નાઘેડી ગામની સીમમાં પોદાર હાઈસ્કૂલ પાછળ રહેતા શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની એલસીબીના દિલીપ તલાવડિયા અને યોગરાજસિંહ રાણાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી પીઆઈ કે.જી. ચૌધરી તથા સ્ટાફે રેઈડ દરમિયાન હરપાલસિંહ જૂવાનસિંહ જાડેજાને રહેણાંક મકાનમાંથી રેઈડ દરમિયાન રૂા.5,200 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 13 બોટલો અને રૂા.5,000 ની કિંમતનો એક મોબાઇલ મળી આવતા કુલ રૂા.10,200 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો દિગ્વીજય પ્લોટ 58 મા રહેતા જયેશ ઉર્ફે જયુ ભાનુશાળી અને સરમત પાટીયા પાસે રહેતા કુલદીપસિંહ ઉર્ફે લાલો ઢીંગલી એ સપ્લાય કર્યો હોવાનું કબૂલ્યું હતું. જેના આધારે એલસીબીની ટીમે દારૂ સપ્લાય કરનાર બન્ને શખ્સોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.