Connect with us

રાજ્ય

દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં સાત પગલા ખેડુત કલ્‍યાણના અંતગર્ત લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

મુખ્‍યમંત્રી દ્રારા આ યોજના અંતર્ગત વધુ બે પગલાઓનું ઇ-લોકાર્પણ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દેવભૂમિ દ્વારકા જિલ્‍લાના મુખ્ય મથક ખંભાળિયામાં આવેલા માર્કેટીંગ યાર્ડ ખાતે “સાત પગલા ખેડુત કલ્‍યાણનાં” અંતર્ગત દેશીગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી, દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના તથા પ્રાકૃતિક કૃષિ પધ્‍ધતિ જીવામૃત બનાવવા કીટ સહાય યોજનાનો લોકાપર્ણ કાર્યક્રમ ગ્રામગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઇ બેરાના અધ્‍યક્ષ સ્‍થાને યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિતોનું શાબ્‍દિક સ્‍વાગત અને યોજનાકીય જાણકારી જિલ્‍લા ખેતીવાડી અધિકારી એ.બી.કમાણીએ આપી, કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટયથી કરવામાં આવી હતી.
ગ્રામ-ગૃહ નિમાર્ણ બોર્ડના ચેરમેન મુળુભાઇ બેરાએ જણાવ્‍યું હતુ કે, આજનો દિવસ ખૂબજ મહત્‍વનો છે દુનિયામાં જેણે દેશનું ગૌરવ વધાર્યું છે એવા વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીનો  ગઈકાલે જન્‍મ દિવસ હોવાનું જણાવી, જેઓ રાષ્‍ટ્રના સર્વાંગી વિકાસમાં પોતાનો મહત્‍વનો ફાળો આપી રહયા છે. જગતના તાત પ્રત્યે તેઓને ખૂબજ માન અને ગર્વ છે. ખેડુતો ગમે તેવી વિષમ પરિસ્‍થિતિમાં કોરોનાની મહામારી, લોકડાઉન હોવા છતા હંમેશા લોકકલ્‍યાણને જ મહત્‍વ આપી કાર્યરત રહે છે. જયારે બધાના નોકરી-ધંધા બંધ હતા. રોડ, રસ્‍તા, ટ્રાન્‍સપોર્ટશન બંધ હતા છતા આપણા ખેડુતોએ પોતાના દેહની પરવા કર્યા વગર જ સમગ્ર રાજય, દેશના, જિલ્‍લાના લોકોની શાકભાજી અને ફળફ્રુટની માંગને પુરી કરી હતી. દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી જેમા ખેડુત કુટુંબ દિઠ એક ગાયનાં નિભાવ ખર્ચ અર્થે રૂ. 900/- પ્રતિમાસ સહાયની રકમ પ્રમાણે ત્રિમાસિક રૂ.2,700/- લેખે ખેડુતોના બેંક એકાઉન્‍ટમાં સીધા જમા થશે. કુલ 1,05,000 લાખ લાભાર્થી ખેડુતો માટે સરકાર દ્વારા બજેટમાં રૂ. 66.50 કરોડની જોગવાઇ કરાઈ છે.
પ્રાકૃતિક કૃષિ પધ્‍ધતિ દ્વારા જીવામૃત બનાવવા માટે લાભાર્થીઓને કૃષિ કીટમાં 75 ટકા સહાયની યોજના અંતર્ગત દેશી ગાયના છાણ-ગૌમુત્રમાંથી જીવામૃત બનાવવા માટે પ્રાકૃતિક કૃષિ કીટ માટે રૂ. 1,248/- પ્રતિ કીટ સહાય આપવામાં આવશે. જેમાં 210 લીટરના ઢાંકણ વગરનું એક નંગ ડ્રમ, દસ લીટરના પ્‍લાસ્‍ટિકના બે નંગ ટબ અને દસ લીટર પ્‍લાસ્‍ટિકની એક ડોલનો સમાવેશ થાય છે. કુલ એક લાખ લાભાર્થી ખેડુતો માટે સરકાર દ્વારા બજેટના કુલ રૂ.13.50 કરોડની જોગવાઇ કરી છે. ખેડુત ચીલાચાલુ ખેતીની પધ્‍ધતિમાંથી બહાર આવે, ખેડુતો પ્રાકૃતિક ખેતી કરતા થાય, વૈજ્ઞાનિક ઢબે ખેતી કરતાં થાય તો ઉત્‍પાદન પણ ખૂબ વધુ થાય છે. દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં વધુ વરસાદ થવાથી જમીનનું ધોવાણ થયું છે અને પાકને નુકશાન થયું છે. રાજય સરકાર દરેક જિલ્‍લામાં તેનું મોનીટરીંગ કરી રહી છે. અને માર્ગદર્શન આપતા રહયા છે. સરકાર સર્વે ખેડુતો માટે હમેશાં સંવેદનશીલ રહી છે. ખેડુતોનુ ભલુ થાય, ખેડુતો આર્થિક અને સામાજિક રીતે સધ્‍ધર બને તેવા પ્રયત્‍નો કરતી આવી છે.
જિલ્‍લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજાએ સાત પગલા ખેડુત કલ્‍યાણના અંતર્ગત પ્રાકૃતિક કૃષિની બે યોજનાઓ જેમાં ખેડુતોને સંપૂર્ણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડુત કુટુંબને એક દેશી ગાય માટે નિભાવ ખર્ચમા સહાય આપવાની યોજના અને પ્રાકૃતિક કૃષિ, પધ્‍ધતિ દ્વારા જીવામૃત બનાવવા સારૂ લાભાર્થીઓને નિદર્શન કીટમાં 75 ટકા સહાયની યોજનાનો લાભ લેવા જણાવ્‍યું હતું. આ પ્રસંગે મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીને ગુજરાતની જનતા વતી જન્‍મ દિવસની શુભેચ્‍છા પાઠવી હતી. અને કહયું હતું કે, ગાયને આપણાં શાસ્‍ત્રમાં કામધેનું કહે છે. અગાઉ કેમીકલયુકત રાસાયણિક ખેતીથી જમીન બંજર બની જતી હતી અને લોકોના સ્‍વાસ્‍થય ઉપર પણ જોખમ રહેતુ હતું. ત્‍યારે લોકો સ્‍વસ્‍થ બને અને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળે તો વાસ્‍તવમાં ખેડુતો જગતના તાત બની સારૂ ખાતર, સારૂ બીજ મેળવી પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્‍પાદન કરી, લોકોને તંદુરસ્‍ત બનાવવામાં ખેડુતોનું યોગદાન રહેશે આગામી દિવસોમાં ખેડુતોનો વિકાસ, ખેતીનો વિકાસ અને રાજયના ઉતમથી સર્વોતમ તરફથી ગતિ તરફ ગુજરાત આગળ વધશે.
આ પ્રસંગે રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ ખેડુતોને જણાવ્‍યું હતુ કે, દેશના ખેડુતોની આવક બમણી કરવા માટે પ્રાકુતિક ખેતી તરફ ખેડુતોએ વધુ ધ્‍યાન આપવું જોઇએ ભૂતકાળમાં કૃત્રિમ ખાતર, કીટ નાશકોના દુષ્‍પરિણામ આપણે ભોગવી રહયા છીએ. રાસાયણીક ખેતીને કારણે ઉત્‍પાદન ઓછુ થઇ રહયું છે. જમીનની ફળદ્રુપતા ઘટી છે અને જમીન રસાયણયુકત બની છે. આવા ઉત્‍પાદનના સેવનથી લોકોનું સ્‍વાસ્‍થય જોખમાયું છે. તો પ્રાકૃતિક ખેતીથી ખેડુતો ખેતી કરશે તો આ ખેતી થકી ખેડુતની લાગત પણ શૂન્‍ય રહે છે. અને ઉત્‍પાદનમાં પણ વધારો જોવા મળ્યો છે. રાજયમાં 22 હજાર માસ્‍ટર ટેનર્સ દ્વારા 1.27 લાખ જેટલા ખેડુતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી છે. જેમાંથી હાલની ખરીફ રૂતુમાં એક લાખથી વધુ ખેડુતોએ પ્રાકૃતિક ખેતી કરી છે. આ સાથે જ રાજયપાલએ ઉમેર્યું હતુ કે, પ્રાકૃતિક ખેતી માટે ગાય ખેડુતના ઘરમાં છે. તો તેના દુધ દ્વારા બાળકોની રોગપ્રતિકારક શકિત વધશે અને તેના છાણ અને ગૌમુત્ર દ્વારા ખેડુતોની ખેતી વધુ સંપન્‍ન થશે. આ કાર્યક્રમમાં માર્કેટીંગ યાર્ડનાં ચેરમેન અને જિલ્‍લા પંચાયત પ્રમુખ પી.એસ.જાડેજા, કલેકટર ડો. નરેન્‍દ્રકુમાર મીના, તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્‍લા પંચાયતનાં સદસ્‍ય મયુરભાઇ ગઢવી, મશરીભાઇ નંદાણીયા, મોટી સંખ્‍યામાં ખેડુતો તથા કચેરીના અધિકારીઓ ઉપસ્‍થિત રહયા હતા.

રાજ્ય

ગરીબો માટેના અનાજનું બારોબાર વેચાણ

ત્રણ શખ્સોની અટકાયત : રૂ. 11.76 લાખનો મુદ્દામાલ કબજે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં ગેરકાયદેસર મનાતા સસ્તા અનાજના ઘઉં તથા ચોખાના વિશાળ જથ્થા સાથે ડીવાયએસપી તથા સ્ટાફે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. આ પ્રકરણમાં પોલીસે રૂપિયા 11.76 લાખનો મુદ્દામાલ હાલ કબજે લઇ, વિવિધ દિશામાં તપાસ આરંભી છે.
આ ચકચારી બનાવની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયા નજીકના સલાયા માર્ગ પર રિલાયન્સ સર્કલ પાસે ગત રાત્રીના આશરે સાડા નવ વાગ્યે ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરી તથા સ્ટાફ દ્વારા હાથ ધરાયેલા પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફના રત્નાભાઈ કોડિયાતર તથા ઓમદેવસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે આ હાઈવે માર્ગ પરથી સસ્તા અનાજની દુકાનનો ઘઉં તથા ચોખાનો શંકાસ્પદ જથ્થો જઈ રહ્યો હોવાનું ધ્યાને આવતા આ અંગે પોલીસ દ્વારા સલાયા તરફથી આવી રહેલી એક આર્ટિકા તથા બે અલ્ટો મોટરકારને અટકાવી તેનું ચેકિંગ કર્યું હતું.
રાત્રીના આશરે દસેક વાગ્યે હાથ ધરાયેલા આ ઓપરેશનમાં ત્રણ મોટરકારમાંથી સસ્તા અનાજનો મનાતો ઘઉં તથા ચોખાનો મોટા પ્રમાણમાં જથ્થો પોલીસને સાંપડયો હતો.
આ અંગે પોલીસ દ્વારા ત્રણેય મોટરકાર ચાલકને અટકાવી અને સઘન પૂછપરછ કરવામાં આવી હતી જેમાં જી.જે. 36 એફ. 0222 નંબરના આર્ટિકા કારના ચાલક અત્રે યોગેશ્વરનગરમાં રહેતા નિલેશ ભરતભાઈ દત્તાણી (ઉ.વ. 33) ની પૂછપરછ સાથે કારમાં ચેકિંગ કરતા આ મોટરકારમાંથી રૂપિયા 3600 ની કિંમતના ચોખાના ત્રણ બાચકા તથા 4200 ની કિંમતના ઘઉંના સાત બાચકા મળી આવ્યા હતા. આ સાથે પોલીસે રૂપિયા સાત લાખની કિંમતની આર્ટિકા મોટરકાર સાથે નિલેશ ભરતભાઈ દત્તાણીની અટકાયત કરી હતી.
જ્યારે અન્ય એક અલ્ટો મોટરકાર નંબર જી.જે. 10 એસી. 8299 ના ચાલક યોગેશ્વરનગરમાં રહેતા વિરેન હસમુખભાઇ ઉનડકટ (ઉ.વ. 30) ની પૂછપરછમાં આ મોટરકારમાંથી રૂ. 3600 ની કિંમતના ચોખાના ચાર બાચકા તથા રૂપિયા 1350 ની કિંમતના ઘઉંના ત્રણ બાચકા ઉપરાંત રૂપિયા એક લાખની અલ્ટો મોટરકાર પોલીસે કબજે કરી હતી.
આ ઉપરાંત અન્ય એક અલ્ટો મોટરકાર નંબર જી.જે. 03 એચએ 5434 માંથી પણ રૂપિયા 7500 ની કિંમતના ચોખાના પાંચ બાચકા તથા રૂપિયા ત્રણ હજારની કિંમતના ઘઉંના ચાર બાચકા ઉપરાંત રૂપિયા બે લાખની કિંમતની અલ્ટો મોટરકાર પણ કબજે કરી, પોલીસે કાર ચાલક અત્રે બેઠક રોડ પર રહેતા આશિષ રતિલાલ તન્ના (ઉ. વ. 30)ની અટકાયત કરી હતી.
ઝડપાયેલા આ શખ્સોની વધુ પૂછતાછમાં તેઓએ જણાવેલ કે હરસિદ્ધિનગર વિસ્તારમાં રહેતા અને માર્કેટિંગ યાર્ડમાં કામ કરતા પ્રશાંત બાબુલાલ રાયચુરા તથા નવલ પાલાભાઇ ગઢવીએ ભાગીદારીમાં ધંધો કરી આ સિવાયનો ઘઉં તથા ચોખાનો જથ્થો નજીકની એક દુકાનમાં વેચવા માટે રાખેલ હોવાનું જણાવતા પોલીસ દ્વારા માર્કેટીંગ યાર્ડની બહાર આવેલી એક દુકાનમાં ચેકીંગ કરી, તેમાંથી પણ ચોખાના 63 મોટા બાચકા તથા 24 નાના બાચકા મળી કુલ રૂપિયા 1,06,650ની કિંમતના 177.75 મણ ચોખાનો જથ્થો હાલ કબજે કર્યો હતો.
આ ઉપરાંત આ સ્થળેથી ઘઉંના 52 મોટા બાચકા તથા 24 નાના બાચકા મળી કુલ રૂપિયા 45,900 ની કિંમતના 153 મણ ઘઉંનો જથ્થો પોલીસે કબજે કર્યો છે.
આમ, પોલીસ દ્વારા હાથ ધરાયેલી  આ ચેકિંગ કાર્યવાહીમાં ત્રણેય શખ્સો પાસેથી શંકાસ્પદ સરકારી સસ્તા અનાજની દુકાનનો મનાતો રૂપિયા 1,21,350 ની કિંમતનો 202.50 મણ ચોખા તથા રૂ. 54,450 ની કિંમતનો 181.50 મણ ઘઉંનો જથ્થો ઉપરાંત રૂપિયા દસ લાખની કિંમતની ત્રણ મોટરકાર મળી કુલ રૂપિયા 11,75,800 નો મુદ્દામાલ સીઆરપીસી કલમ 102 મુજબ શકપડતી મિલકત તરીકે કબજે કર્યો છે. જેમાં માર્કેટિંગ યાર્ડ પાસે આવેલી દુકાનમાંથી મળી આવેલા ઘઉં તથા ચોખાનો જથ્થો તપાસ અર્થે આ જ દુકાનમાં રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત આ ત્રણેય શખ્સો સામે સીઆરપીસી કલમ 41 ડી મુજબ ધોરણસર અટક કરી, આગળની તપાસ ખંભાળિયા પોલીસને સોંપવામાં આવી છે.
સસ્તા અનાજના ગરીબોને આપવામાં આવતા ઘઉં તથા ચોખાનો  આ જથ્થો પગ કરીને ખુલ્લી બજારમાં કઈ રીતે આવ્યો, તે મુદ્દે પોલીસ તથા પુરવઠા વિભાગ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. આ સમગ્ર પ્રકરણે ભારે દોડધામ સાથે ચકચાર પ્રસરાવી છે.

વધુ વાંચો

રાજ્ય

ભૂમાફિયા પ્રકરણમાં એક આરોપી વધુ ત્રણ દિવસના રિમાન્ડ પર, બે જેલ હવાલે

અન્ય પાંચ આરોપીઓનું શું થશે? ફરી રિમાન્ડ કે જ્યુડિશીયલ કસ્ટડી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગરમાં ભૂમાફિયાના નેટવર્કને તોડી પાડવા પોલીસે કરેલી કાર્યવાહી અંતર્ગત ગુજસીટોક કાયદા હેઠળ આરોપીઓને ઝડપી પાડ્યા બાદ રાજકોટની સ્પે. અદાલતમાં રિમાન્ડની માગણી કરી હતી. જે પૈકી ગુજસીટોકમાં ઝડપાયેલા જીગર આડતિયા, મુકેશ અભંગી અને પ્રફુલ્લ પોપટના નવ દિવસના રિમાન્ડ આજે પૂર્ણ થતા પોલીસ દ્વારા રાજકોટ સ્પે. કોર્ટમાં રજૂ કરી મુકેશ અભંગીના વધુ સાત દિવસના રિમાન્ડ માટે માગણી કરવામાં આવી હતી. જેમાં રાજકોટની સ્પે. કોર્ટ દ્વારા મુકેશ અભંગીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય આરોપીઓ પ્રફુલ્લ પોપટ અને જીગર આડતિયાને જેલ હવાલે કરવા હુકમ કર્યો હતો. નવ દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ આજે પોલીસ દ્વારા એક આરોપીના વધુ રિમાન્ડની માગણી કરતા આગામી દિવસોમાં અન્ય આરોપીઓના રિમાન્ડ પણ પૂરા થનાર હોય ત્યારે તે આરોપીઓનું શું થશે ? શું અન્ય આરોપીઓના 12 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં વધુ રિમાન્ડ માંગવામાં આવશે કે પછી જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવશે તે જોવું રહ્યું.

વધુ વાંચો

રાજ્ય

ભાણવડના જામપર ગામની સીમમાંથી જૂગારનો અખાડો ઝડપાયો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ભાણવડ તાલુકાના જામપર ગામની સીમમાંથી પોલીસે જૂગારનો અખાડો પકડી પાડયો છે. પોલીસે દરોડો પાડી છ શખ્સોને રૂા.1,04,000 ની રોકડ રકમ સાથે પકડી પાડયા હતાં.

દરોડાની પ્રાપ્ત વિગતો અનુસાર, ભાણવડ તાલુકાના જામપર ગામની સીમમાં રહેતા અમીતભાઈ ઉર્ફે મુનાભાઈ ચંદુભાઈ ઘેંટીયા બહારથી માણસો બોલાવી જૂગાર રમાડતા હોવાનીના આધારે પોલીસે સબ ઈન્સ્પેકટર જે.જી. સોલંકી તથા તેમના સ્ટાફે દરોડો પાડયો હતો. આ દરોડા સમયે અહીં તીનપતિનો જૂગાર રમી રહેલા અમીતભાઈ ઘેંટીયા, નારણભાઈ લાખાભાઈ ભાટિયા, વજશીભાઈ મારખીભાઈ કનારા, દિનેશભા ગોરધનભાઈ શીરા, મુકેશભાઈ જાદવભાઈ પીપરોતર, પુનાભાઈ રાણાભાઈ ભાટુ નામના છ શખ્સોને રૂા.1,04,200 ની રોકડ રકમ સાથે પકડી પાડયા હતાં. તેઓના કબ્જામાંથી રૂા.12 હજારની કિંમતના છ નંગ મોબાઇલ, 85 હજારની કિંમતના મોટરસાઈકલ મળી કુલ રૂા.2,01,700 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. તમામ સામે જૂગારધારા અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ