Connect with us

જામનગર

દરેડ સર્વે નંબર 131-132

બાપરે…આટલાં બધા દબાણો થયા ત્યાં સુધી તંત્રો ઘોરતા રહ્યા..!

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કેટલાંક દિવસોથી દરેડનાં સર્વે નંબર 131 અને 132 મિડિયા અને લોકોમાં ખુબજ ચર્ચાસ્પદ બન્યા છે.કલેકટર અને એસ.પી. સહિતના અધિકારીઓનાં ધાડા અહિં નિરિક્ષણ કરી રહ્યા છે અનેએક મોટા ઓપરેશનનાં સંકેત આપી રહ્યા છે કેમ કે, આ બે સર્વે નંબર સરકારી જમીનમાં 1200 જેટલાં કાચા-પાકા મકાનો, 20 જેટલી દુકાનો, એક હાઇ-ફાઇ ખાનગી શાળા અને ગૌ-શાળા જેવા અધધધ.. કહી શકાય તેટલાં ગેરકાયદે બાંધકામો અર્થાત દબાણો ઉભા થઇ ગયા જેને દુર કરવા માટે હવે નવા લેન્ડ ગ્રેબિંગ એકટનો ડારો આપવામાં આવી રહ્યો છે. ખુદ કલેકટર અને એસ.પી. સ્થળ ઉપર જઇને દબાણકારોને સરકારી જગ્યા ખાલી કરી આપવા ડારા-ડફાળા કરી આવ્યા છે.

સારી વાત છે, ગેરકાયદે દબાણો દુર થવા જોઇએ, દબાણકારોને કોઇ પ્રોત્સાહન મળવું ન જોઇએ. પરંતુ સવાલ એ છે કે, એક આખા ગામ જેટલાં દબાણો શું રાતોરાત ઉભા થઇ ગયા..? સ્વાભાવિક પણે જ આ દિવસો નહી પણ વર્ષોની પ્રક્રિયા રહી હશે કેમકે 1200 જેટલાં મકાનો અને 20 જેટલી દુકાનો ખડકી દેવામાં આવી છે. જેનું બાંધકામ પણ ધોળા દિવસે જ થયું હશે અને દરેકે તે જોયું પણ હશે બસ એક માત્ર સરકારી બાબુઓની નજરમાં જ આ બાબત કેમ ન આવી..?

સવાલ એ પણ ઉભો થાય છે કે, જયારે આ બાંધકામો આકાર પામતા હતા ત્યારે સરકારી જમીનોની જાળવણીની જેની જવાબદારી છે તે તંત્રો શું કરતા હતા..? સરપંચ તો સમજયા કે રાજકિય રીતે આંખ આડા કાન કરતા હોય પણ જે સરકારનો પગાર લે છે તે તલાટીમંત્રી શું કરતા હતા..? મામલતદાર શું ઘોરતા હતા..?

તલાટી અને મામલતદારે આ દબાણો અંગે અગાઉ કોઇ રિપોર્ટ કર્યા છે ખરી? જો કર્યા હોય તો ઉચ્ચ અઘ્કિારીઓ દ્વારા ત્યારે કાર્યવાહી શા માટે કરવામાં ન આવી..? શું આ દબાણો માટે માબ દબાણકારો પ્રત્યે આંખઆડા કાન કરનાર જવાબદાર તંત્ર વાહકો શું દોષિત નથી..? દબાણકારોનું તો કામ જ છે દબાણ કરવાનું જયારે તંત્રનું કામ છે આવા દબાણો અટકાવવાનું અને દબાણકારોને ખશેડવાનું પરંતુ અહિં તો દબાણકારોએ તેમનું કામ ખંતપૂર્વક કર્યુ હોય તેમ જણાય છે જયારે તંત્રો તેમની ફરજ-જવાબદરી ભૂલી ઘોરતા રહ્યા હોય તેવું સ્પષ્ટ થઇ રહ્યું છે ત્યારે તમે જ કહો આમાં દોષી કોણ..?

ખેર હવે જયારે દબાણકારોને લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ નોટિસ, ચેતવણી, ડારો જે કહો તે આપી દેવામાં આવ્યા છે. પરંતુ જેની જવાબદારી હતી તેવા સરકારી બાબુઓનું શું ? તેમને પણ સરખા જવાબદાર ગણીને તેમની સામે કોઇ કાર્યવાહી ન થઇ શકે..? શું આ પ્રકરણમાં કોઇ કાર્યવાહી કરવામાં આવશે..? ઉચ્ચ અધિકારીઓ પાસે આવા અનેક પ્રશ્ર્નોનાં જવાબની અપેક્ષા સામાન્ય પ્રજાજનો રાખી રહ્યા છે અને રાખવાનો અધિકાર પણ છે.

કોઇ પણ સમસ્યાને ઉછેરીને મોટી કરવાની આપણાં તંત્રોને આદત પડી ગઇ છે. પછી જયારે આ સમસ્યા વિકરાળ બને છે ત્યારે અનેક નવી સમસ્યાઓ ને જન્મ આપે છે. જેમાં રાજકિય, સામાજિક, માનવિય, કાયદાકિય સમસ્યાઓનો સમાવેશ થાય છે ત્યારે આ પ્રકરણમાં પણ આડ અસરો સ્પષ્ટ દર્શાવા લાગી છે. જોઇએ હવે તંત્ર શું કરે છે અને તેના શું રિએકશનો આવે છે

જામનગર

છોટીકાશીના બાલા હનુમાન સંકિર્તન મંદિર દ્વારા રામમંદિર નિર્માણ માટે નિધિ અર્પણ

સંતો-મહંતો અને શહેરના શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં મંદિર ખાતે કાર્યક્રમ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે આગામી ફેબ્રુઆરીથી રામમંદિર નિર્માણનો ભવ્ય કાર્યક્રમ શરૂ થઇ રહ્યો છે. આ કામગીરી 3 વર્ષ કરતાં વધુ સમય સુધી ચાલશે. અને મર્યાદા પુરૂષોતમ શ્રી રામ ભગવાનનું સમગ્ર દેશનું સૌથી ભવ્ય મંદિર નિર્માણ પામશે. આ મહાનિર્માણના કામમાં કરોડો દેશવાસીઓને જોડવામાં આવ્યા છે. જામનગર સહિત સમગ્ર દેશમાં ભવ્ય રામમંદિર નિર્માણ માટે નિધિ(ફંડ) એકત્રીકરણ કાર્યક્રમ વ્યાપક સ્તરે ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં આ મહાનિર્માણ માટે દેશભરમાંથી કરોડો રૂપિયાનું એકત્રિકરણ થઇ ચૂકયું છે. ફેબ્રુઆરી માસ દરમ્યાન પણ સમગ્ર દેશમાં નિધિ એકત્રિકરણ કામગીરી કરવામાં આવશે.

છોટીકાશી જામનગરમાં પ્રણામી સંપ્રદાય, આણંદાબાવા સેવા સંસ્થા તથા મોટી હવેલી સંપ્રદાય દ્વારા આ નિધિ એકત્રિકરણમાં પ્રત્યેક સંપ્રદાય દ્વારા રૂા.5,55,555ના ચેક તાજેતરમાં અર્પણ કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ આજે શનિવારે સાંજે જામનગરમાં તળાવની પાળે આવેલાં વિશ્વ પ્રસિધ્ધ શ્રી બાલા હનુમાન સંકિર્તન મંદિર ખાતે નિધિ અર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

પ્રણામી સંપ્રદાયના આચાર્ય શ્રી કૃષ્ણમણિજી મહારાજ, સ્વામીનારાયણ સંપ્રદાયના કોઠારી સ્વામી શાસ્ત્રી શ્રી ચતુર્ભુજદાસજી મહારાજ તથા ખિજડા મંદિરના શ્રી લક્ષ્મણદાસજી મહારાજની પ્રેરક ઉપસ્થિતિમાં બાલા હનુમાન સંકિર્તન મંદિર ટ્રસ્ટના પ્રમુખ ડો.કિશોર દવે તથા સિનિયર ટ્રસ્ટી વિનુભાઇ તન્ના દ્વારા વિશ્વ હિંદુ પરિષદ દ્વારા જામનગર જિલ્લા અધ્યક્ષ ભરતભાઇ ફલીયાને બાલા હનુમાન મંદિર દ્વારા રૂા.5,55,555નો ચેક નિધિ તરીકે અર્પણ કરવામાં આવ્યો હતો. આ તકે, અગ્રણી બિઝનેસમેન કનુભાઇ કોટક, જામનગર ફેકટરી ઓનર્સ એસો.ના પ્રેસિડેન્ટ લાખાભાઇ કેશવાલા તથા વેપારી અગ્રણી અરવિંદભાઇ પાબારી સહિતના શહેરના અગ્રણી શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સંતોને વંદન કરી આર્શિવાદ પ્રાપ્ત કર્યા હતાં.

વધુ વાંચો

જામનગર

જામનગરમાં યુવકની ગળેફાંસો ખાઇ આત્મહત્યા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેરના સાધના કોલોની વિસ્તારમાં રહેતા યુવકે કોઇ અકળ કારણોસર તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. લાલપુર તાલુકાના જોગવડ ગામમાં રહેતી યુવતી તેણીના ઘરે દૂધ ગરમ કરવા જતા સમયે અકસ્માતે દાઝી જતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

જામનગર શહેરના સાધના કોલોની એમ-75 સામે આવેલા મયુર બંગલોમાં રહેતા પ્રશાંતભાઈ શુકલાનો પુત્ર ધ્રુવ શુકલા (ઉ.વ.18) નામના વિપ્ર યુવકે શુક્રવારે બપોરના સમયે તેના ઘરે કોઇ અકળ કારણોસર પંખામાં કપડુ બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની મેહુલભાઈ દ્વારા કરાયેલી જાણના આધારે હેકો ડી.કે. ચૌહાણ તથા સ્ટાફે સ્થળ પર પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, લાલપુર તાલુકાના જોગવડ ગામમાં રહેતા વાલીબેન જાલુભાઈ ધોડા નામની યુવતી ગત તા.16 ના રોજ સાંજના સમયે તેના ઘરે દૂધ ગરમ કરતી હતી તે દરમિયાન પવનના કારણે ચૂલાના ઝાળ કપડામાં અડી જતા શરીરે ગંભીર રીતે દાઝી ગઈ હતી જેથી યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેણીનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. પાલરભાઈ દ્વારા જાણ કરાતા એએસઆઈ આર. આર. કરંગીયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.

વધુ વાંચો

જામનગર

1 અથવા 2 ફેબ્રુઆરીએ રજૂ થશે જામ્યુકોનું બજેટ

કર દર દરખાસ્તોમાં કોઇ ફેરફાર કરી શકાશે નહીં

ખબર ગુજરાત

પ્રકાશિત

on

આગામી 1 અથવા 2 ફેબ્રુઆરીએ જામનગર મહાપાલિકાનું બજેટ રજૂ થશે. આ માટેની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. હાલ જામ્યુકોની સામાન્ય સભા અસ્તિત્વમાં ન હોય આ બજેટમાં કોઇપણ નીતિ વિષયક દરખાસ્ત કે નિર્ણયો કરવામાં આવશે નહીં. જામનગર મહાપાલિકાનું નાણાંકિય વર્ષ 2021-22નું બજેટ આગામી 1 અથવા 2 ફેબ્રુઆરીએ રજૂ કરવા માટેની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. ચીફ એકાઉન્ટન્ટ દ્વારા બજેટને કમિશનર સમક્ષ રજૂ કરવામાં આવશે અને કમિશનર જ તેને મંજૂરી આપશે. જો કે, આ બજેટને અંતિમ મંજૂરી કોણ આપશે તે હજુ નિશ્ર્ચિત નથી. અત્રે ઉલ્લેખનિય છે કે, નિયમ મુજબ 20 ફેબ્રુઆરી પહેલાં બજેટને સામાન્ય સભામાં બહાલી આપી દેવાની હોય છે. પરંતુ 20 ફેબ્રુઆરી સુધીમાં નવી બોડી રચાઇ તેવી સંભાવના ઓછી હોય હાલ તૂર્ત કમિશનર જ આ બજેટને મંજૂરી આપશે અને આગળનો નિર્ણય રાજય સરકારની સૂચના મુજબ કરવામાં આવશે. પ્રાપ્ત જાણકારી અનુસાર બજેટની દરખાસ્તો રાબેતા મુજબની હશે. જેમાં હાલના કર દર જે છે તે પ્રમાણે જ રાખવામાં આવશે. જો કે, કાયદાકિય જોગવાઇ મુજબ નવી બોડી આવ્યા બાદ પુરક બજેટ રજૂ કરીને નવી કર દરની દરખાસ્તો કરી શકે છે. ઉપરાંત નીતિ વિષયક બાબતોનો પણ ઉમેરો કરી શકાય છે.

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ