જામનગર મહાપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીઓ માટે ભાજપ દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. આ માટે પ્રદેશ દ્વારા નિયુકત કરવામાં આવેલા 9 નિરીક્ષકો આગામી 24 જાન્યુઆરીએ શહેરમાં જુદા-જુદા ત્રણ સ્થળોએ ઉમેદવારની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરશે. જેનો રિપોર્ટ ગાંધીનગર પ્રદેશ મોવડીઓને સુપ્રત કરશે.
જામનગર મહાપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારો પસંદ કરવા પ્રદેશ ભાજપ દ્વારા કુલ 9 નિરીક્ષકોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં રાજેશભાઇ ચુડાસમા, જયેશભાઇ વ્યાસ, જશુમતિબેન કોરાટ, ગોવિદભાઇ પટેલ, ગૌતમભાઇ ગેડિયા, આરતીબેન જોષી, બાબુભાઇ જેબલિયા, સુરેશભાઇ ધાધલિયા અને જયોતિબેન વાછાણીનો સમાવેશ થાય છે. આ નિરીક્ષકો 24 થી 26 જાન્યુઆરી સુધી જામનગર શહેરમાં રોકાશે અને તે દરમ્યાન સંભવિત ઉમેદવારોને સાંભળવાની પ્રક્રિયા હાથ ધરશે. આ માટે જાહેર કરાયેલા સમય પત્રક અનુસાર 24 જાન્યુઆરીએ શહેર ભાજપ કાર્યાલયમાં સવારે 10 થી રાત્રે 8-30 વાગ્યા સુધી શહેરના વોર્ડ નં. 1 થી 6ના દાવેદારોને સાંભળવામાં આવશે અને કાર્યકરોની સેન્સ લેવામાં આવશે. તેવી જ રીતે અટલ ભવનમાં વોર્ડ નં. 7 થી 11ના દાવેદારોને સવારે 10 થી સાંજે 7 વાગ્યા દરમ્યાન સાંભળવામાં આવશે. જયારે વોર્ડ નં. 12 થી 16માં ચૂંટણી લડવા ઇચ્છુક દાવેદારોને સવારે 10 થી સાંજે 7 વાગ્યા દરમ્યાન સાંભળવામાં આવશે.
સેન્સ પ્ર્રક્રિયા પૂર્ણ થયા બાદ નિરીક્ષકો પોતાનો અહેવાલ ભાજપના પ્રદેશ મોવડીઓને મોકલશે. જેના આધારે પેનલ બનાવીને ઉમેદવાર પસંદગીની આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.