Connect with us

શહેર

જામનગરમાં પાન-મસાલા-તમાકુના ધંધામાં પડદાં પાછળ જબરો ખેલ !

જામનગરમાં પાન-મસાલા-તમાકુના ધંધામાં પડદાં પાછળ જબરો ખેલ !

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ત્રણ દિવસ પહેલાં ભારત સરકારે તમામ રાજયોને સૂચના આપી હતી કે, તમારા રાજયોમાં શરાબનો બંધ પડેલો વેપાર શરૂ કરી દયો. ત્યારબાદ વિવિધ રાજયોમાં શરાબની દુકાનો ખુલ્લી ગઇ. દુકાનોની આગળ શરાબીઓની લાંબી કતારો લાગી. બીજી બાજુ અખબારો તથા ચેનલોમાં સમાચાર આવ્યા કે, શરાબને કારણે રાજયોને અબજો રૂપિયાની ડયુટીની આવક થાય છે. બરાબર આજ સમયે ગુજરાતના પોલીસવડા શિવાનંદ ઝા એ જાહેર કર્યુ કે, ગુજરાતમાં કયાંય પણ પાન-મસાલા કે, ધુમ્રપાન કરી શકાશે નહીં. સંપૂર્ણ રાજયમાં પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો.

વાંચકોને ખ્યાલ છે કે, ગુજરાતમાં શરાબો પર 1960થી પ્રતિબંધ છે. આ પ્રતિબંધ છતાં રાજયમાં જામનગર સહિત તમામ સ્થળોએ અબજો રૂપિયાનો શરાબ વેચાય છે અને પીવાય છે. શરાબ પરના પ્રતિબંધને કારણે સમગ્ર રાજયનું પોલીસતંત્ર અલમસ્ત બની ગયું છે. ભ્રષ્ટાચારનો આંકડો દાયકાઓથી કરોડો રૂપિયાનો છે. ચોકકસ પોસ્ટીંગ માટે પણ લાખો રૂપિયાની લેતીદેતી થતી હોય છે. આ બધી બાબતો પાન-મસાલા પરના પ્રતિબંધને કારણે જામનગર સહિત ગુજરાતમાં જોવા મળી રહી છે. શિવાનંદ ઝા એ ભલે પ્રતિબંધ મૂકયો જામનગર અને અમદાવાદ સહિત રાજયમાં બધી જ જગ્યાએ પાન-મસાલા અને સિગારેટ -બીડી વેચાય છે અને ખવાય-પીવાય છે.

શરાબની માફક પાન-મસાલાના ધંધા પર પણ પોલીસનો કબજો હોવાના અહેવાલો અને ચર્ચા જામનગર સહિત સમગ્ર રાજયમાં જોવા સાંભળવા મળી રહયા છે. જામનગરમાં પાન-મસાલા-બીડીઓની દુકાનો અને કેબિનો તૂટે છે અથવા ચોકકસ ગાઇડલાઇન પર તોડવામાં આવે છે. ખોટી ફરિયાદો કરવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં ફરિયાદો કરવામાં જ નથી આવતી. પાન-મસાલા-બીડીના જથ્થાબંધ તથા છૂટક વેપારીઓની સરખામણીમાં પોલીસતંત્ર અને હોમગાર્ડની આ ધંધામાં ગેરકાયદેસરની આવક વધી ગઇ હોવાની સમગ્ર શહેરમાં ચર્ચા છે. વ્યસનીઓનો પક્ષ ખેંચવાની અત્રે વાત નથી પરંતુ માયકાંગલા પ્રતિબંધને કારણે ભ્રષ્ટાચાર અને ચોકકસ રંગની માફિયાગીરીને કારણે જામનગર શહેર જિલ્લાના વ્યસનીઓ અનેક પ્રકારની ચર્ચાઓ કરે છે. મોટાભાગના વ્યસનીઓને કાળાબજારમાં આ બધી ચીજોના વધુ ભાવો ચૂકવવા પડે છે. વધુ ભાવો ચૂકવ્યા પછી બજારમાં જોઇએ તેટલો માલ મળે છે. જે વ્યસનીઓ વધુ ભાવ ચૂકવી શકતા નથી તે વ્યસનીઓ વ્યસનની ગેરહાજરીને કારણે વિવિધ પ્રકારની માનસિક વ્યગ્રતા અનુભવી રહયા છે. આવા કારણોથી ઘરેલું હિંસા અને મારામારીના બનાવો પણ બનતા હોય છે. જો કે, આવા બનાવો પોલીસ સ્ટેશન સુધી બહુ ઓછા પહોંચતા હોય છે.

પોરબંદરના એક વ્યસનીએ છેક વડાપ્રધાન સુધી આ મુદે પત્ર વ્યવહાર કર્યો છે. રાજકોટમાં પાન-મસાલા-તમાકુનો સમગ્ર વેપાર પોલીસે કબ્જે કરી લીધો છે. જામનગરમાં પણ આ મામલે ખાનગીમાં ઘણી ચોંકાવનારી ચર્ચાઓ ચાલતી રહે છે. થોડા સમય પહેલાં જામનગર પોલીસની બે જુદી-જુદી શાખાઓ વચ્ચે પાન-મસાલા-તમાકુના મુદે સર્જાયેલું ઘર્ષણ ઘણા દિવસોથી શહેરમાં ચર્ચાનો મુદો છે. જે દેશમાં સરકાર પોતાની આવકને માટે તમામ રાજયોમાં શરાબ વેચવાની છૂટ આપી શકતી હોય તે દેશમાં ગુજરાત જેવા રાજયમાં મુખ્યમંત્રીને બદલે રાજયના પોલીસવડા પાન-મસાલા-તમાકુ પર પ્રતિબંધની ડાહી-ડાહી વાતો કરે, તેનો કોઇ મતલબ નથી કારણ કે, શરાબની માફક પાન-મસાલા પણ જામનગર સહિત સમગ્ર રાજયમાં મોંઘા ભાવે પણ મળે તો છે જ. લોકલાગણી એવી છે કે, રાજયના પોલીસવડાએ આ અર્થવિનાનો પ્રતિબંધ તાકિદે ઉઠાવી લેવો જોઇએ.

શહેર

ભુમાફિયા જયેશ પટેલની ગેંગને હથિયાર પુરા પાડનાર શખ્સની ધરપકડ કરાઇ

અમદાવાદ એટીએસ અને જામનગર એસઓજી દ્વારા સંયુકત ઓપરેશન પાર પડાયું

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગરના ચકચારી એવા ભુમાફિયા જયેશ પટેલની ગેંગને હથિયાર પુરા પાડનાર શખ્સ બલવિરસિંહ ઉર્ફે બલ્લુની એમ.પી.માંથી ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ એટીએસ અને જામનગર એસઓજી દ્વારા સંયુક્ત રીતે આ ઓપરેશન પાર પાડી બલવિરસિંહને ઝડપી લીધો છે. જેમાં પુછપરછ દરમિયાન અત્યાર સુધીમાં ગુજરાતમાં 100 થી વધુ હથિયારો વેંચ્યા હોવાની કબુલાત આરોપીએ આપી હતી.

જામનગરમાં સને- ૨૦૧૯માં જયેશ રાણપરીયા ઉર્ફે જયેશ પટેલે રાજાણી પ્રોફેસર પાસેથી ૧ કરોડની ખંડણી વસુલ કરવા તેના ઉપર ફાયરીંગ કરવા માટે ઇકબાલ ઉર્ફે બાઠીયો ઉમરભાઇ નાયકને સુચના આપી હતી. જેથી ઇકબાલે બલવિરસિંહ ઉર્ફે બલ્લુ પાસેથી એક પિસ્તોલ તથા પાંચ રાઉન્ડ મંગાવેલ હતા અને આ બલવિરસિંહ ઉર્ફે બલવંતસિંહ ઉર્ફે બલ્લુ જયેશ પટેલની ગેંગનો મુખ્ય હથીયાર સપ્લાયર હોય અને હાલ એમ.પી ,ધાર ખાતે હોવાની એ.ટી.એસ. ના અધિકારીઓને બાતમી મળતા એ.ટી.એસ. તથા જામનગર એસ.ઓ.જી ની સયુંક્ત ટીમ બનાવી બલવિરસિંહ ઉર્ફે બલવંતસિંહ ઉર્ફે બલ્લુ અશોકસિંહ કતરસિંગ ,પટવા રહે. ગામ સીંધાના વીસ ખોલી ગાયત્રી મંદિરવાળી શેરની બાજુમાં તા. મનાવર જી.ધાર મધ્યપ્રદેશનાઓની એમ.પી ,ધાર ખાતેથી ધરપકડ કરી એ.ટી.એસ. ઓફીસ લાવી પુછપરછ કરતા તેણે અત્યાર સુધીમાં કુલ ૧૦૦ થી વધુ હથિયારો ગુજરાતમાં વેચ્યા હોવાની કબુલાત આપી હતી. મજકુર વિરૂધ્ધ અમદાવાદ શહેર,રાજકોટ શહેર તથા મોરબી જીલ્લામાં હથિયાર સપ્લાય કરવાના ગુનાઓ નોંધાયેલ છે.

વધુ વાંચો

શહેર

પૈસા નહીં આપતા યુવાનના પિતાને પતાવી દેવાની ધમકી

ઉછીના આપેલા શખ્સે યુવાનના પિતાને બાઈક પર લઇ ગયો : ટાટીયા ભાંગી નાખવાની અને મારી નાખવાની ધમકી: પોલીસ દ્વારા ધમકી આપનાર શખ્સની શોધખોળ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં રહેતા યુવાને ઉછીના લીધેલા રૂપિયાની ઉઘરાણી મામલે એક શખ્સે યુવાનના પિતાને બાઈક પર લઇ જઈ સમર્પણ સર્કલ પાસે ઉતારી દઈ અપશબ્દો બોલી ટાટીયા ભાંગી નાખવાની તેમજ પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં શંકરના મંદિર પાસે રહેતા રમેશ કિશોરભાઈ કનોજીયા નામના મજૂરીકામ કરતા પ્રૌઢના પુત્ર વિજયએ રાજભા નામના શખ્સ પાસેથી ઉછીના રૂપિયા લીધા હતાં. આ રૂપિયાની ઉઘરાણી મામલે વિજય મળતો ન હોય તેથી રાજભાએ મંગળવારે સાંજના સમયે વિજયના પિતા રમેશભાઈને ઘરેથી બાઈક પર લઇ જઈ સમર્પણ સર્કલ પાસે ઉતારી દઇ અપશબ્દો બોલી રૂપિયા પાછા નહીં આપો તો ટાટીયા ભાંગી નાખવાની તેમજ પતાવી દેવાની ધમકી આપી હતી. ત્યારબાદ પ્રૌઢે આ બનાવ અંગેની જાણ કરતા પીએસઆઈ એ.આઈ.મુળિયાણા તથા સ્ટાફે રાજભા વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

વધુ વાંચો

શહેર

જામનગર VAT વિભાગનો એક્સ-રે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

તા. 31-3-20ની સ્થિતિએ જામનગરની વેટ કચેરીમાં ગુજરાત એસટી નાં. 337 કેસ, સેન્ટ્રલ એસટીના 843 કેસ તથા વેટના 1445 કેસ મળી કુલ 2625 કેસ પેન્ડીંગ છે. ગુજરાત સેલ્સટેક્સની રૂા. 107.09 કરોડની, સેન્ટ્રલ સેલ્સટેકસની રૂા. 323.81 કરોડની તથા વેટની રૂા. 1810.55 કરોડની રિકવરી 31 માર્ચની સ્થિતિએ બાકી છે. બાકી રિકવરીનો કુલ આંકડો રૂા. 2241.45 કરોડ છે.
આ રિકવરી પૈકી 77 કેસ (રૂા. 1388.41 કરોડ) એવાં છે જેમાં ટ્રિબ્યુનલ-હાઇકોર્ટ અથવા સુપ્રિમકોર્ટે સ્ટે આપેલાં છે. 144 કેસ (રૂા. 111.50 કરોડ) એવાં છે જેમાં ડેપ્યુટી અથવા જોઇન્ટ કમિશનર દ્વારા સ્ટે આપવામાં આવ્યા હોય, 890 કેસ (રૂા. 469.45 કરોડ) એવા છે જેમાં ક્યારેય રિકવરી થઇ શકે એમ જ નથી. 2020ના માર્ચ મહિનામાં જામનગરના VAT વિભાગે એકપણ રૂપિયાની, એક પણ કેસમાં રિકવરી કરી નથી.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ