રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓના માહોલમાં પ્રજાસત્તાક દિને મુખ્યમંત્રી સહિત મંત્રીઓ દ્વારા વિવિધ સ્થળે થનારા ધ્વજવંદન કાર્યક્રમોમાં કોઈ રાજકીય ભાષણબાજી-જાહેરાતો થઈ શકશે નહીં કે રાજકીય પાર્ટીના પ્રતીક સાથે સૂત્રો-ઉચ્ચારણ અથવા બેનર પ્રર્દિશત કરી શકાશે નહીં. ચૂંટણી આચારસંહિતા સંદર્ભે રાજ્ય ચૂંટણીપંચે આ તાકીદ કરી છે.
રાજ્ય ચૂંટણીપંચે તમામ શહેર-જિલ્લા-મ્યુનિસિપલ કોર્પોરેશનના ચૂંટણી અધિકારીઓ તથા કલેક્ટરોને સ્પષ્ટ રીતે સૂચના આપી છે કે મુખ્યમંત્રી કે મંત્રીઓના વક્તવ્યમાં સરકારની કામગીરી, પક્ષની કામગીરી, ઉપલબ્ધિઓ- સિદ્ધિઓ વગેરેના ગાણાં ગાઈ શકાશે નહીં, વક્તવ્ય દેશભક્તિ-રાષ્ટ્રીય એકતા પૂરતું સીમિત રાખવું, ભવિષ્યના આયોજનો કે જાહેરાતો પણ થઈ શકશે નહીં.
ગણતંત્ર દિનની ઉજવણીમાં કોઈ રાજકીય પક્ષના પ્રતીક, પદાધિકારીઓના ફોટોગ્રાફર્સ, ઉચ્ચારણો, સૂત્રો કે બેનર્સ શ્રાવ્ય માધ્યમથી પણ થઈ શકશે નહીં. જિલ્લા ચૂંટણી અધિકારી કે સંબંધિત અધિકારીએ સમગ્ર કાર્યક્રમની વીડિયોગ્રાફી કરવાની રહેશે અને આચારસંહિતાનો ભંગ થાય કે મતદારો પ્રભાવિત થાય તેવી કોઈ પણ બાબતની જવાબદારી જિલ્લા વહીવટીતંત્રની રહેશે.
રાજ્યની 6 મહાનગરપાલિકાઓ, 81 નગરપાલિકાઓ, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતોની આવનારી ચૂંટણીઓ સંદર્ભે આ તાકીદની સૂચના બહાર પડી છે.