ઓખા મંડળના મીઠાપુર ખાતે સ્થાનિક પોલીસ હેડ કોન્સ્ટેબલ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન દારૂ અંગેની કામગીરી કરતી વખતે સુરજકરાડીના રહીશ એવા ત્રણ શખ્સોએ તેમને અટકાવીને ગળુ દબાવી હત્યા નિપજાવવાના પ્રયાસ સાથે હુમલો કર્યાની ધોરણસર ફરિયાદ સ્થાનિક પોલીસમાં નોંધાઈ છે.
આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અજયસિંહ જયેન્દ્રસિંહ જાડેજા મંગળવારે સાંજે તેમને સોંપવામાં આવેલી દારૂ અંગેની કામગીરી સબબ મીઠાપુર ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં ગયા હતા. આ દરમિયાન તેઓ મીઠાપુર નજીકના સુરજકરાડી વિસ્તારમાં ગણેશપરા ખાતે પહોંચતા આ સ્થળે પસાર થયેલા સુરજકરાડીના રહીશ રમેશ ચના પરમાર નામના કોળી શખ્સને હેડ કોન્સ્ટેબલ અજયસિંહે અટકાવી અને કેટલીક પૂછપરછ કરતાં આરોપી રમેશ પરમારને આ બાબત સારું લાગ્યું ન હતું. જેથી તેણે પોલીસ કર્મીને ગાળો કાઢી અને ઝપાઝપી કરી હતી.
આ દરમિયાન અન્ય આરોપીઓ જીવા ચના પરમાર તથા મોહન ચના પરમાર તથા અન્ય બે શખ્સો પણ અહીં ધસી આવ્યા હતા અને લાકડાના ધોકા સાથે આવેલા ત્રણેય શખ્સોએ મળી અને હેડ કોસ્ટેબલ અજયસિંહ જાડેજાને બિભત્સ ગાળો કાઢી, ઢીકા- પાટુનો માર મારી તથા ધોકા વડે માથાના ભાગે હુમલો કર્યો હતો. એટલું જ નહિ, આરોપી રમેશે અજયસિંહનું ગળુ દબાવી અને ત્રણેય આરોપીઓએ પોલીસ કર્મીને મારી નાખવાના ઇરાદે હુમલો કર્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
આ સમગ્ર બનાવ અંગે મીઠાપુર પોલીસે પોલીસ હેડ કોન્સ્ટેબલ અજયસિંહ જયેન્દ્રસિંહ જાડેજાની ફરિયાદ પરથી સુરજકરાડીના રહીશ એવા ત્રણેય શખ્સો સામે આઈપીસી કલમ 307, 323, 333, 504, 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધ્યો છે. આ સમગ્ર પ્રકરણની આગળની તપાસ ઇન્ચાર્જ પી.આઇ. પી.બી. ગઢવી દ્વારા હાથ ધરવામાં આવી છે. આ બનાવે પોલીસબેડામાં પણ ભારે ચકચાર જગાવી છે.