જામનગર સહિત રાજયભરમાં મહાનગરપાલિકાઓ અને પંચાયતો તેમજ પાલિકાઓની ચૂંટણીઓની ઘણાં સમયથી ચર્ચાઓ થઇ રહી છે અને લોકો એકમેકને ચૂંટણીઓ અંગે વધુને વધુ વિગતો મેળવવા માટે પ્રશ્નો પૂછી રહ્યા છે. દરમ્યાન ગઇકાલે શુક્રવારે મુખ્યમંત્રીએ ચૂંટણીના માહોલને આગળ વધારવા માટે જાહેર કાર્યક્રમોમાં લોકોની સંખ્યા અંગેની છૂટછાટો સંબંધે પણ ઘણી સ્પષ્ટતાઓ કરી છે. મુખ્યમંત્રીએ આ સ્પષ્ટતાઓ કરતાં જ જાણકારોને ખ્યાલ આવી ગયો હતો કે, હવે ગણતરીની કલાકોમાં રાજયમાં ચૂંટણીની જાહેરાત થઇ જશે. જાણકારોનો અંદાજ સાચો પડયો છે. આજે બપોરે આ અંગે ટૂંકી જાહેરાત થઇ ચૂકી છે.
આજે સાંજે પાંચ વાગ્યે રાજયના પાટનગર ગાંધીનગર ખાતે રાજયના ચૂંટણી કમિશનર સંજયપ્રસાદ દ્વારા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવશે. એવું હાલ જાહેર થયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગર સહિત રાજયની 6 મહાનગરપાલિકાઓ, 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતો અને 80 નગરપાલિકાઓની બોડીઓની ટર્મ તાજેતરમાં પૂર્ણ થઇ છે. આ બધી સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં ચૂંટણીઓ કરવાની થાય છે.
ગાંધીનગરથી મળતો રીપોર્ટ જણાવે છે કે, મુખ્યચૂંટણી કમિશનર સંજયપ્રસાદ આજે સાંજે 05 વાગ્યે પાટનગર ખાતે પત્રકાર પરિષદમાં ચૂંટણીઓ અંગે વિધીવત જાહેરાત કરશે.