જામનગર શહેર અને જિલ્લામાં હત્યાના પ્રયાસ અને પૂર્વ આયોજિત કાવતરૂં તથા આર્મ્સ એકટ હેઠળના ગુનામાં નાસતા-ફરતા જયેશ પટેલ વિરૂધ્ધ વધુ એક જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જેમાં અદાલતે 30 દિવસમાં હાજર થવાનું ફરમાન કર્યું છે. અગાઉ જયેશ વિરુધ્ધ અદાલતમાં હાજર થવાના ફરમાન થઇ ચૂકયા છે.
આ એંની વિગત મુજબ જામનગરના જયસુખ ઉર્ફે જયેશ મૂળજીભાઈ રાણપરીયા રે. દિગ્વિજય પ્લોટ, શેરી નં.64 પાછળ, ધનેશ્વર રેસિડેન્સી, ફ્લેટ નં.401, સરદાર પટેલ સોસાયટી, જામનગર તથા મૂળ રહેવાસી ગામ લોઠીયા તા. જિ. જામનગર વિરુધ્ધ વિવિધ છ ગુના હેઠળ ધરપકડનું વોરંટ ઇસ્યુ થયેલ છે જેમાં એ આઇ.પી.સી. કલમ 307, 506(2), 120બી, આર્મ્સ એક્ટની કલમ 25-1(બી-એ)તથા જી.પી. એકટની કલમ 135(1) હેઠળ શિક્ષાપાત્ર ગુનો કર્યો છે અને તે ઉપરથી કાઢેલા ધરપકડ વોરંટ ઉપર શેરો થઈ આવેલ છે કે જયસુખ ઉર્ફે જયેશ મૂળજીભાઈ રાણપરીયા મળી આવતા નથી આમ ફરાર થયેલ છે તેથી બીજાં એડિ. ચીફ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટએ જાહેરનામા દ્વારા ફરિયાદનો જવાબ આપવા અને તેના વિરુદ્ધના કેસમાં જયસુખ ઉર્ફે જયેશ મૂળજીભાઈ રાણપરીયાને જાતે હાજર રહેવા જાહેરનામાના 30 દિવસની અંદર કોર્ટમાં હાજર થવા ફરમાન કરવામાં આવેલ છે.
આ જ પ્રકારે જયેશ રાણપરિયા વિરુધ્ધ સીટી સી ફર્સ્ટ ગુ.ર.નં.142/2019, ભારતીય દંડ સંહિતાની કલમ 386,507,120(બી) તથા આર્મ્સ એક્ટની કલમ-25(1-બી)મુજબના શિક્ષાપાત્ર ગુનામાં સાતમાં અધિક ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટએ જાહેરનામા દ્વારા અને આઇ.પી.સી. કલમ 420, 465,467,468,120બી, 34 હેઠળના શિક્ષાપાત્ર ગુનામાં ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ જામનગરએ જાહેરનામા દ્વારા ફરિયાદનો જવાબ આપવા અને તેના વિરુદ્ધના કેસમાં જયસુખ ઉર્ફે જયેશ મૂળજીભાઈ રાણપરીયાને જાતે હાજર રહેવા જાહેરનામાના 30 દિવસની અંદર કોર્ટમાં હાજર થવા ફરમાન કરેલ છે.