રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે આગામી ફેબ્રુઆરીથી રામમંદિર નિર્માણનો ભવ્ય કાર્યક્રમ શરૂ થઇ રહ્યો છે. આ કામગીરી 3 વર્ષ કરતાં વધુ સમય સુધી ચાલશે. અને મર્યાદા પુરૂષોતમ શ્રી રામ ભગવાનનું સમગ્ર દેશનું સૌથી ભવ્ય મંદિર નિર્માણ પામશે. આ મહાનિર્માણના કામમાં કરોડો દેશવાસીઓને જોડવામાં આવ્યા છે. જામનગર સહિત સમગ્ર દેશમાં ભવ્ય રામમંદિર નિર્માણ માટે નિધિ(ફંડ) એકત્રીકરણ કાર્યક્રમ વ્યાપક સ્તરે ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં આ મહાનિર્માણ માટે દેશભરમાંથી કરોડો રૂપિયાનું એકત્રિકરણ થઇ ચૂકયું છે. ફેબ્રુઆરી માસ દરમ્યાન પણ સમગ્ર દેશમાં નિધિ એકત્રિકરણ કામગીરી કરવામાં આવશે.
છોટીકાશી જામનગરમાં પ્રણામી સંપ્રદાય, આણંદાબાવા સેવા સંસ્થા તથા મોટી હવેલી સંપ્રદાય દ્વારા આ નિધિ એકત્રિકરણમાં પ્રત્યેક સંપ્રદાય દ્વારા રૂા.5,55,555ના ચેક તાજેતરમાં અર્પણ કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ આજે શનિવારે સાંજે જામનગરમાં તળાવની પાળે આવેલાં વિશ્વ પ્રસિધ્ધ શ્રી બાલા હનુમાન સંકિર્તન મંદિર ખાતે નિધિ અર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
પ્રણામી સંપ્રદાયના આચાર્ય શ્રી કૃષ્ણમણિજી મહારાજ, સ્વામીનારાયણ સંપ્રદાયના કોઠારી સ્વામી શાસ્ત્રી શ્રી ચતુર્ભુજદાસજી મહારાજ તથા ખિજડા મંદિરના શ્રી લક્ષ્મણદાસજી મહારાજની પ્રેરક ઉપસ્થિતિમાં બાલા હનુમાન સંકિર્તન મંદિર ટ્રસ્ટના પ્રમુખ ડો.કિશોર દવે તથા સિનિયર ટ્રસ્ટી વિનુભાઇ તન્ના દ્વારા વિશ્વ હિંદુ પરિષદ દ્વારા જામનગર જિલ્લા અધ્યક્ષ ભરતભાઇ ફલીયાને બાલા હનુમાન મંદિર દ્વારા રૂા.5,55,555નો ચેક નિધિ તરીકે અર્પણ કરવામાં આવ્યો હતો. આ તકે, અગ્રણી બિઝનેસમેન કનુભાઇ કોટક, જામનગર ફેકટરી ઓનર્સ એસો.ના પ્રેસિડેન્ટ લાખાભાઇ કેશવાલા તથા વેપારી અગ્રણી અરવિંદભાઇ પાબારી સહિતના શહેરના અગ્રણી શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સંતોને વંદન કરી આર્શિવાદ પ્રાપ્ત કર્યા હતાં.